જય ઝાંભરાનું ડૂબવાથી નહીં પરંતુ હત્યા થઈ છે પરિવારનો આરોપ...
જયના મિત્રો 5000 માટે પણ હત્યા કરી શકે ના આક્ષેપ
પાર્ટી બાદ ડખ્ખો થયો અને બૂટલેગર હર્ષદ મહાજનના પુત્રએ મર્ડર કરી પાણીમાં ફેંકી દીધો?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના જામનગર રોડ પર પરાપીપળિયા ગામ નજીક તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જે મૃતદેહ જય ઝાંભરા નામના યુવાનનો હોવાનું સામે આવ્યું છે. જેના પરિવારજનોએ યુવકને મારી મારી તેના જ મિત્રોએ પાણીમાં ફેંકી દીધો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.મૃતકના કાકાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારો ભત્રીજો તેના મિત્રો સાથે રાજસ્થાન ફરવા ગયો હતો જ્યાંથી પરત આવ્યા બાદ સોમવારે રાત્રે જીનીશ મહાજન, સદ્દામ, ભાવિન પટેલ અને ઋત્વિક પરમાર સાથે પાર્ટી કરતા હશે તેને માર મારી પાણીમાં ફેંકી દીધો છે.
ઉલ્લેખનીય છે કે જેમના પર આક્ષેપ છે તે જીનીશ મહાજન નામચીન બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર છે અને તેના વિરુદ્ધ અનેક ગુના પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.
મૃતક યુવાન જય પ્રભાતભાઈ ઝાંભરા કાકા સુરેશભાઈ ઝાંભરાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો જય ઝાંભરા તેના મિત્રો જીનીશ મહાજન, સદ્દામ, ભાવિન પટેલ અને ઋત્વિક પરમાર સાથે રાજસ્થાન ફરવા ગયો હતો જ્યાંથી પરત આવી રાજકોટ તેના આ મિત્રો સાથે જ એક કાળા કલરની વર્ના કાર સેલ્ફ ડ્રાઈવમાં ભાડે કરી ફરતા હતા.દરમિયાન ગઈકાલે સાંજે ૪ વાગ્યા આસપાસ મને તેના મિત્રો મારફત જાણ થઈ હતી કે પરમ દિવસ સોમવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો તેમની કારનો પીછો કરી રહ્યા હતા. જેથી તમામ લોકો પરાપીપળિયા ગામમાં પહોંચ્યા હતા, આગળ રસ્તો બંધ થઈ જતા ઉતરી જેતરમાં જતા રહ્યા હતા,
દરમિયાન અંધારું હોવાથી જય પાણીમાં પડી ગયો હતો જેથી અમે પરિવારના લોકો બનાવની જાણ થતા સાંજે જ અહીં પહોંચ્યા હતા. બનાવ અંગેની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એચ.ગઢવી તેમજ પીએસઆઈ સહિત કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ જય મિત્ર પર પરિવારજનોએ આક્ષેપ કર્યા છે તેમની પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
જયના મિત્રો 5000 રૂપિયા માટે પણ હત્યા કરી શકે તેવા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રિ દરમિયાન અંધારું થઈ જતા જ્યારથી મૃતદેહ મળ્યો ન હતો અને આજે સવારે ફરી ૬ વાગ્યાથી ફાયર વિભાગે શોધખોળ કરતા જયનો મૃતદેહ મળી આવ્યો હતો. જયના મિત્રોએ સોમવારે રાત્રે બનાવ બન્યો હતો તો મંગળવાર સાંજ સુધી કેમ અમને કે પોલીસને જાણ ન કરી તે સવાલ અમને સતાવી રહ્યો છે. આ ઉપરાંત જયના મિત્રો નશા કરવાની ટેવ ધરાવતા હોવાથી અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાથી તેઓ ૫૦૦૦ રૂપિયા માટે પણ હત્યા કરી શકે તેવા છે.