Loading Please Wait !!!
જંગલેશ્વર ઈફેક્ટ: બધા રેટ કોન્ટ્રાક્ટનો રી-સર્વે !

જંગલેશ્વર ડિમોલિશન ખર્ચના વિવાદ બાદ સ્ટેન્ડિંગનો મોટો નિર્ણય

» જૂના કોન્ટ્રાક્ટ પર કાતર હવે નીચા ભાવે નવી પાર્ટીઓને આમંત્રણ અપાશે

» ડિમોલિશન દરમિયાન થયેલા 27 લાખના વિવાદિત ખર્ચની દરખાસ્ત નામંજૂર

સિટી ન્યૂઝ @ રાજકોટ

રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન આડેધડ ખર્ચો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પાણીનાં બોટલોની મનપા દ્વારા રૂ. ૮નાં ભાવે ખરીદી થઈ હોવાનો પર્દાફાશ થયો હતો. આ ખર્ચ રેટ કોન્ટ્રાક્ટ અંતર્ગત કરાયો હોય સવાલ ઉઠાવ્યા હતા. જે અંતર્ગત ચાલુ રેટ કોન્ટ્રાક્ટમાં કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરવા નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત ચાલુ રેટ કોન્ટ્રાક્ટમાં જો કોઈ પાર્ટી નીચા ભાવે કામ કરવા ઈચ્છશે તો જૂનો કોન્ટ્રાક્ટ રદ કરી નવી પાર્ટી સાથે રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવશે. મનપાનાં નિયમ મુજબ નવો રેટ કોન્ટ્રાક્ટ થાય નહીં ત્યાં સુધી જૂની પાર્ટી જૂના કોન્ટ્રાક્ટ મુજબ વસ્તુ આપે છે. આ કારણે પણ મનપાને વધુ ખર્ચ થવાનું સામે આવ્યું છે. જાહેર કરેલા બિલોમાં પણ જૂની પાર્ટીનો કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવા છતાં તેણે પાણી સપ્લાય કર્યું હોવાનું ખૂલ્યું હતું. આવા કિસ્સા માટે પણ જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ પૂરા થયા છે તેના તાત્કાલિક નવા ટેન્ડર કરવાનો આદેશ પણ આજે પદાધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. આમ દિવ્યભાસ્કર દ્વારા પાણીના બિલો અને રેટ કોન્ટ્રાક્ટની ગોલમાલ જાહેર કરવામાં આવતા પદાધિકારીઓ દ્વારા આ અતિ મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે.

સ્ટે. ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યા મુજબ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન થયેલા રૂ. ૨૭ લાખના ખર્ચની મંજૂરી માટે ટેન્ડરની નિયત પ્રક્રિયા કરવામાં આવી નહીં હોવાનું સામે આવતા આ ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે.

જે રેટ કોન્ટ્રાક્ટ ચાલુ છે તેની પુન સમીક્ષા કરાશે: નેહલ શુક્લ

મેયર ડો. નેહલ શુક્લે આ મામલે જણાવ્યું હતું કે, રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા, પુન સમીક્ષા અને તેને રદ કરવા બાબતે મેં સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનને એક અનુરોધ કર્યો હતો કે આની પુન સમીક્ષા થવી જોઈએ. જે અન્વયે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા એવો ઠરાવ કરવામાં આવી રહ્યો છે, જેની માહિતી હાલ મને ચેરમેન દ્વારા આપવામાં આવી છે કે હાલ જે કોઈ પણ રેટ કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં છે તે બધા જ રેટ કોન્ટ્રાક્ટની પુન સમીક્ષા કરવામાં આવશે. આ સમીક્ષા કર્યા બાદ જેમાં જરૂર જણાય તે તમામમાં રેટ કોન્ટ્રાક્ટ રદ કરીને રીટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વધુમાં ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે, જ્યાં સુધી કોર્પોરેશનની જે તે શાખા તુરંત જ એક સ્પેશિયલ ટેન્ડર પ્રકાશિત કરવામાં આવશે, આ નિર્ધારિત ભાવે જે કોઈ પણ પાર્ટી કે વેન્ડર કોર્પોરેશનને સર્વિસ ઉપલબ્ધ કરાવવા માંગતા હશે અને અરજી કરશે, તે તમામની અરજી સ્વીકારીને તેમને એકનોલેજ કરી એમપેનલ કરવામાં આવશે. આ એમપેનલમેન્ટ થયા બાદ ઉપલબ્ધ ભાવોમાંથી યોગ્ય પસંદગીના આધારે જ સર્વિસ લેવામાં આવશે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, નાના-મોટા કોઈપણ ભાવમાં જે એવું લાગશે કે અર્થાત વધારે ચૂકવણું થઈ ગયું છે, તો તેમાં કોઈ પણ કાયદાકીય પ્રક્રિયાનો વિચાર કર્યા વિના અમે આ ટેન્ડરને રીટેન્ડર કરવાના છીએ.